ચાલો-ત્યારે
![](https://preranadave.com/wp-content/uploads/2023/09/ચાલો-ત્યારે-2.jpg)
કહો પાર્થને ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ…
અરે અરે! પણ ઊભા તો રહો! કયા જવું છે!? કોણ પાર્થ!? કયું યુદ્ધ!? અને શા માટે!?
બસ ! તમારા આવા જ પ્રશ્નોને કારણે યુદ્ધ તો ક્યારનુંય ચાલુ થઈ ચૂક્યુ છે અને તમે હજી સુધી હથિયાર હેઠા મૂકીને નિંદ્રામાં જ છો!?
લો કહું હું તમને – તમારું સ્વ સાથેનું યુદ્ધ…
અવારનવાર અંતરાત્માના પોકરને ઠુકરાવી તમે જ તો ચિનગારી આપી છે આ યુદ્ધને… કઈ રીતે સાંભળવું છે!? તો સાંભળો :
તમારા બાગમાં એક અત્યંત નાજુક અને મનભાવન ફૂલ ઊગ્યું છે! એને ઉછેર્યું તો તમારા માળી એ છે પરંતુ એકવાર ફક્ત એકવાર એ મુર્જાતા પેહલા તમારો પ્રેમાળ સ્પર્શ ઝંખે છે! ચાલો , એની સુંગંધ શ્વાસમાં ભરી લેવા માટે…
ઓલા દિવસે ફાટક બંધ હતી ત્યારે તમે શ્રી તમારી લાલ ગાડીમાં બેઠા બેઠા ફોન કરી રહ્યા હતા એ વખતે એક માસૂમ બાળક તમને સ્મિત આપી રહ્યું હતું જે તમે નજરઅંદાજ કર્યું હતું. ચાલો , આવા કેટલાય માસુમો નું સ્મિત હદયમાં ભરી લેવા…
મન તો ઘણીય વાર થતુ હતુ તમને દાદા – દાદી , નાના નાનીના ખોળામાં માથું રાખીને હૂફ મેળવવાનું અને ફરીથી એ બધી જ ચાંદામામા ની વાર્તાઓ સાંભળવાનું … ચાલો , એકવાર એ બાળપણમાં ડોકિયું કરવા…
કોઈના પ્રેમ , મદદ માટે ધન્યવાદ કહેવાનુ તમે ભૂલી ગયા છો અને કોઈની પાસે માફી માગવાની પણ તમારે બાકી છે હજી સુધી .. પછી કરીશું એ ચક્કરમાં … ચાલો , કૂમળા હદય પરનો એ ભાર ઓછો કરવા…
જેના સહવાસમાં તમારું વજન સતત વધ્યું છે એવા પ્રિયપાત્રના વખાણ કર્યાં ને ય ઘણો સમય વિતી ગયો છે અને એની માટે ગીત પણ તમે વર્ષોથી ક્યાં ગાયું છે!?
ચાલો , એ પ્રેમને ફરીએકવાર તાજો અને સજીવન કરવા…
ખબર છે તમે બહુ જવાબદાર છો! કદાચ તમને યાદ નહિ હોય એટલે યાદ કરાવી દવ કે બાથરુમ માં મોટેથી ગીત ગાવાના શોખીન હતા તમે અને એમ તો તમારા મિત્રને બધું કહ્યું છે છતાંય કઈક વાતો હજીય એનાથી છુપી છે. ચાલો – ખુલી જવા અને ઊઘડી જવા…
પ્રેમ માટે સતત ઝંખતો તમારા હદયનો ધબકારો પોકારીને કહે છે તમને કે જાવ અને કહી દ્યો એને કે ગમવા લાગી છે તું અતિશય મને અને વસવા પણ લાગી છે મારા શહેરમાં
ચાલો , હિમ્મત કરીને કોઈને સમર્પિત થવા…
બાળપણમાં પ્રિય વસ્તુ ના મળતા જે ખૂણામાં રિસાઈને બેસી જતા અને રડવા લાગતા એ જ ખૂણામાં બેસીને તમારે થોડુ રડવાનું બાકી છે. જે ઝખ્મોને સતત દબાવતા આવ્યા છો એને રૂઝવાનો અને જાત ને રીઝવવાનો થોડો સમય આપવાનો બાકી છે
ચાલો , રડવા.. કારણકે પછી આખી જિંદગી તમારે હસવાનું છે…
તમારો અંતરાત્મા વર્ષોથી તમને આ કહી રહ્યો છે! તો રાહ શેની જુવો છો!? અંત કરો આ યુદ્ધનો અને કરો સંધિ સ્વ સાથે ફરીથી .. તમને ફતેહની શુભેચ્છાસહ…