વરસોનાં હિસાબ
(Accounts of Time: Reflections on Life’s Ledger)

વરસોનાં હિસાબ
Table of Contents
    Add a header to begin generating the table of contents

    વરસોનાં હિસાબ

    આમ તો હિસાબ શબ્દ સાંભળતા જ લાલ ખાતા આકેલો ચોપડો કે પછી રોજ નો હિસાબ રોજ લખવા વાળી પેલી નાનકડી ડાયરી યાદ આવે.. સાથે સાથે કેટકેટલાય લેણાં અને દેણા વાળા ચહેરાઓ તાજા થાય… પરંતુ એ વર્તુળની બહાર આપણા નજીવા જીવનના એક સાવ પોતીકા વર્તુળમાં આવીને બે ઘડી ઊભા રહીએ ત્યારે સમજાય કે આપણે તો કેટલાય વ્યક્તિઓ સાથે વરસોનાં હિસાબ હજી પણ બાકીમાં જ પડ્યા છે જે બાકી આપણે આગળ લઈ તો જવી હોય છે પરંતુ સમય કાઢી શકતા નથી પરિણામે જ્યારે ખરેખર રકમ પાકવાનો સમય આવે ત્યારે મોટો ગોટાળો થાય છે અને રોકાણ તો સાચી જગ્યા એ જ કરેલું છતાંય આપણે ખોટ જ ભોગવવી રહી એમ કહીને મનને માનવતા હોઈએ છીએ… હવે સાહજિક એમ પ્રશ્ન થાય ને કે એવા તો વળી કેવા હિસાબ? મારી પાસે તો એ લાલ ચોપડા અને અંગત હિસાબી ડાયરીમાંથી કેટલાંય ચહેરાઓ આવીને હિસાબ માંગે છે….

    આજુબાજુની પ્રકૃતિ સોળે કળાએ ખીલીને રીઝવવા પ્રયાસ કરતી હતી એનું ખાતું તો સુવાસ અને સંગીતથી ભરપુર જમાં થયેલું હતું એ સમયે પેલા મોબાઈલમાં રહેલા કેલ્ક્યુલેટરમાં થતાં આકડાના હિસાબોએ તો એની તરફ નજર સુધ્ધાં જવા ના દીધી એટલે હવે તો દેવું એટલું વધી ગયું છે કે એ સરભર કરવા બાકીના વર્ષો જ ર.પા ની કવિતાની જેમ ટપ્પ દઈને એને સમર્પિત કરી દેવા રહ્યા!

    વર્ષો સુધી જે પત્નિના હાથ નું ભોજન ખાઈને વજન સતત વધે રાખ્યું હોય એ અન્નપૂર્ણા દેવીના તૃપ્ત પ્રસાદના ક્યારેક ક્યારેક વખાણ કરવા ભૂલી જઈએ તો એને પણ સપ્તપદીના વચનોનો ભંગ જ ગણવો જોઈએ… પણ આ હિસાબ ચૂકતે કરવો તો કેટલો સરળ! કોઈ મુદત જ ક્યાં છે!!?
    આજે જ કદાચ ઘરે જઈને એનો હાથ હળવેકથી ચૂમીને પણ આ હિસાબ તો ચૂકતે કરી શકાય એમ છે…

    પોતાની નાનકડી રમતી ઢીંગલી જેવી દીકરી ઓરેન્જ આઇસ્ક્રીમ મો માં મુકવા આવી ત્યારે મિટિંગમાં જતા સફેદ શર્ટ/ સાડી પર ડાઘ પડી જશે એમ કહીને તો ક્યારેક દવાની જગ્યા એ સમય ઇચ્છતા દાદા દાદી કે માતા પિતાના હદયમાં ફૂટતો સ્વાભાવિક અસંતોષ , પોતાના પ્રિય પાત્રને આપેલી મોંઘીદાટ ભેટ સામે થયેલ કેટલાંય અમૂલ્ય વચનો નો ભંગ જે કદાચ આપ્યા હશે અને યાદ પણ નહિ હોય અત્યારે!!
    ક્યારેય કોઈ મિત્ર તો ક્યારેક કોઈ અજાણ્યા બાળકનું અનદેખું કરેલું નિર્મળ હાસ્ય … બધાં જ લાઈનમાં ઊભા છે… અરે હવે તો કેટલાય માત્ર “જવું પડે એટલે જઈએ છીએ” વાળા દેખાવના સંબંધો પણ પાછળ પડ્યા છે …

    પ્રકૃતિ કે માનવસંબંધો પૂરતી મર્યાદિત વાત હોત ને તો કદાચ બરોબર હતું પણ આ પોતાની જાત પણ સગી નથી .. કે છે હિસાબ કિતાબમાં કોણ કોનું સગુ?
    વરસોથી હદયની દીવાલને અઢેલીને ઉભેલી કેટલીક લાગણીઓ અને ડુમાઓનો ભાર હવે લાગે છે આ જાતને…
    પોતાના જ ઘરની દીવાલને ૨ મિનિટ તાકીને આ પોતાની જાત વિશે વિચાર નથી કર્યો એટલે જ હવે એ જર્જરિત થવા આવી છે! એક સ્વતંત્ર અસ્તિત્વ આ જાતનું પણ છે એ વાત હવે ક્યાં યાદ પણ છે?

    અને આ બાકી હતું તો હવે મંદિરની મૂર્તીમાંથી ભગવાન પણ ચાલ્યો આવ્યો છે ડોકિયું કાઢીને હિસાબ માગવા!
    મે કહ્યુ – ભગવાન સાવ આવું? તમે તો હમેશા આપવામાં માનો છો ને ! તો મને કહે કે – હા આપ્યું જ છે મે તને પણ પાસે રાખવા નહિ વહેંચવા! એ શરતો ભૂલી ગયો તું અને બાહેધરી પણ! તો લાવ મારું નુકસાન હવે ….

    આટલા બધા જ હિસાબોનો ભાર લઈને હું ચાલતા ચાલતા એ જ વિચારું છું કે કેટલા સરળ છે આ હિસાબો ચૂકતે કરવા! કદાચ ચૂકતે કરવામાં આપણો પોતાનો જ તો ૧૦ ગણો વધારે ફાયદો છે! દરેક વ્યક્તિએ દરેક સંબંધે કંઇક ને કંઇક આપ્યું છે સતત પોતાનો ફાયદો જોયા વગર આપ્યું છે… રોકાણ કર્યું છે મારામાં! બદલામાં માત્ર તરોતાજા ભીની લાગણીઓ ઝંખી હશે ..

    પત્ની/પત્ની નો હાથ પકડીને કે પછી દીકરી ને ખોળામાં બેસાડી એના હાથનું જમીને , માતા પિતા કે દાદા દાદીના ઓરડામાં જાતે દવા લઈને જતા કે પછી હદયની લાગણીઓ ને વફાદાર બનીને ચાલવામાં …
    ઈશ્વરની સામે કેટલાય પાપોનો પ્રાયશ્ચિત કરવામાં …
    મારા આ સઘળા વરસોનાં હિસાબ ચૂકતે થઈ જવાના છે જાણું છું હું તોય એનો ફાયદો તો પાછો મને ખુદને પણ મળવાનો જ છે! કેટલો સરળ કેટલો સમર્થ સોદો! છતાંય ક્યાં કરી શકું છું હું? આજે કરીશ કાલે કરીશ ? પણ એ મુદત / એ ક્ષણોને ક્યાં પોતાની કરી શકું છું?
    પણ આજે તો આ બધાય વરસોનાં હિસાબ ચૂકતે કરીશ અને રોજે રોજ કરીશ એ જ આશયથી પાછો/પાછી વળી રહી છું બહુ દૂર નીકળી ગયા પછી પોતાના હદયમાં આવતા અહેસાસો તરફ….
    તમે પણ ચોપડો ખોલજો અને ખોળજો….
    ઘણુંય ચૂકતે કરવાનું બાકી નીકળશે જે પૈસાની નોટ થી નહિ પણ ભાવનાઓ રૂપી ખોટા સિક્કાથી ચૂકતે કરવાનું હશે.. જોજો પાના ફાટી જાય કે આડે હાથે મુકાયેલ ચોપડો કંટાળીને સ્વયમ જ દૂર થઈ જાય એટલું મોડું ન કરી દેતા…

    — પ્રેરણા દવે

    Follow me on instagram

    Topics I Can Help You With

    01.

    Event
    Hosting

    02.

    Content Writing

    03.

    Creative Writing

    04.

    content creation

    05.

    Conference hosting

    06.

    government
    Projects

    07.

    Keynote speaker

    08.

    Voice over Projects

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *